Saturday, May 16, 2009

JALARAM BAPA'S HISTORY

જલારામ બાપાનો જન્મ સંવત ૧૮૫૬નાં કારતક સુદ ૭ને સોમવારના શુભ દિને માતૃશ્રી રાજબાઇની કૂખે થયેલો. તેમના પિતાજીનું નામ પ્રધાન ઠક્કર હતું. જલારામજીના જન્મ પૂર્વે યાત્રાએ નીકળેલું સંતમંડળ વીરપુર આવ્યું. માતૃશ્રી રાજબાઇએ આ સંતમંડળની આગતા-સ્વાગતા કરી. આ સંતોના આશીર્વાદથી ધર્મપ્રેમી રાજબાઇને પેટે પુત્રનો અવતાર થયો તે જ જલારામ બાપા. જલારામ નાનપણથી જ રામધૂન લગાવતા અને આંગણે આવેલા અતિથિને લોટ વગેરે આપતા. એક દિવસ કોઇ મહાન સંત રાજબાઇને ઘરઆંગણે આવ્યા. જલારામે સત્કાર કર્યો. માતુશ્રી રાજબાઇએ પણ આ સંતને આવકાર આપતા કહ્યું, ‘પધારો પધારો પ્રભુ’, જવાબમાં સંતે કહ્યું મારે તો આ બાળકના દર્શન જ કરવા હતા. આ બાળક મહાન સંત શિરોમણી થશે અને ખૂબ જ નામના કાઢશે.

બાળપણમાં જલારામ શાળાએ જતા અને અભ્યાસ કરતા અને મિત્રો સાથે રમતો રમતા. એવામાં એક સમયે એક સંત મહાત્મા આવ્યા. તેમણે માતુશ્રી રાજબાઇને પૂછયું કે તમારો જલારામ કયાં છે ? તેને મારે જોવો છે. રાજબાઇએ સાદ કર્યો. એ જલિયા ઝટ આવ અને નમસ્કાર કર. પેલા મહાત્માએ બાળ જલારામને ગેબી અવાજે પૂછયું કેમ જલારામ ! મને ઓળખે છે. ? આવું સાંભળતા જ જલારામ શરમાઇ ગયા. એટલામાં તો આ સંત પુરુષ અદૃશ્ય થઇ ગયા. મા રાજબાઇ આ જોઇ વિસ્મય પામ્યાં.

જલારામબાપા દરરોજ એક બે અતિથિને જમાડીને જ ભોજન લેતા અને આખો દિવસ અખંડ રામ-સ્મરણ કરતા. એવામાં મહાન સંત ભોજલરામનો મેળાપ થયો. જલારામ તેમના શિષ્ય થયા. ગુરુ ભોજલરામ ત્રિકાળજ્ઞાની અને પ્રભુ સાક્ષાત્કાર થયેલ મહાન વિભૂતિ હતા. તેમણે જલારામને આશીર્વાદ આપી સદાવ્રત ચલાવવા ખાસ ભલામણ કરી. શ્રી જલારામે ગુરુ આજ્ઞા શિરે ચડાવી.

સદાવ્રતની શરૃઆતમાં અનાજ વગેરે જરૃરી સહાય માતા- પિતા તરફથી, વાલજીકાકા તરફથી, ખેડૂતો તરફથી મળતી. પરંતુ સદાવ્રતમાં દિવસે-દિવસે વધુ ને વધુ અતિથિઓ આવવા લાગ્યા. પરિણામે અન્નક્ષેત્ર નિભાવ માટે ખેંચ પડવા લાગી. પતિવ્રતા પત્ની વીરબાઇએ પોતાના બધાં જ દાગીના અન્નક્ષેત્રના નિભાવ અર્થે ઉમંગ અને હર્ષથી ઉતારી આપ્યા. આવો હતો વીરબાઇમાનો ઉચ્ચતમ કોટિનો સમર્પણ ભાવ.

વીરપુરમાં જમાલ ઘાંચી રહેતો હતો. તેના દીકરાને લગ્ન કર્યાને ચાર-પાંચ માસ જેવો થોડોક જ સમય વીત્યો ત્યાં તો તે માંદગીમાં પટકાયો. ઘણીબધી જાતની દવાઓ કરાવી પણ તેનો દીકરો સાજો જ ન થાય. વૈદરાજે પણ સાજા થવાની આશા છોડી દીધી. એવામાંં આ જમાલ ઘાંચીને એક દરજી મિત્રનો ભેટો થયો. તેણે દીકરો સાજો થાય તે માટે જલારામબાપાના અન્નક્ષેત્રની માનતા રાખવા કહ્યું. જમાલ ઘાંચીએ દીકરાને સાજો કરવા અન્નક્ષેત્રમાં પાંચ ગૂણી બાજરો આપવાની માનતા રાખી અને થોડા જ સમયમાં દીકરાની તબિયત સુધરવા લાગી અને દીકરો સાજો થયો. જમાલ ઘાંચી તો જલારામબાપાના ચરણમાં પડી ગયો અને વિનયથી કહેવા લાગ્યો કે, જલા તું તો ખરેખર અલ્લા છો. ખરેખર તું તો ખુદાનો બંદા છો. આમ જલાને અલ્લાહ કહેનાર પ્રથમ જમાલ ઘાંચી નીકળ્યો. આજે પણ એના કુટુંબમાં જલારામબાપાની માનતા ચાલે છે.

સંવત ૧૯૩૭ના મહાવદ દશમના દિને, ભક્તરાજ શ્રી જલારામબાપા વૈકુંઠવાસી થયા. શ્રી જલારામબાપાના પરચા તો અનંત છે. આજે પણ પ્રાર્થના કરનારનું-માનતા રાખનારનું દુઃખ શ્રી જલારામબાપા હરે છે. જલારામબાપાની માનતા ચોક્કસ ફળે છે. દેશ-વિદેશમાં ભક્તોની માનતા પૂર્ણ થયાના અનેક દાખલાઓ છે. આપણે પણ દયાળુ એવા જલારામ બાપામાં શ્રદ્ધા રાખી રામ નામ સાથે દીન-દુઃખિયાની સેવો જેવા પરોપકારી કાર્યો કરવા જોઇએ. જલારામ જયંતીના શુભ દિન નિમિત્તે વીરપુર ઉપરાંત અનેક જલારામના મંદિરોમાં તેની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે.